ગીતામાં ભગવાને કહ્યું છે -
ગયા અંકમાં જોયું કે માણસ પોતે જ પોતાના ઉચાટનું અથવા તો પતનનું કારણ બને છે. પછી તે વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં, ગમે તે હોદ્દો ધરાવતી હોય અથવા તો તે સામાન્ય વ્યક્તિ પણ હોય, પણ પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. બીજી કોઈ વ્યક્તિ યા વસ્તુ પોતાનો ઉદ્ધાર કરી શકતી નથી. પોતે જ પોતાના પગે ચાલવું પડે છે. તેથી ગુરુ બનવું અથવા બીજાને ગુરુ બનાવવા એ તાર્કિક દ્ષ્ટિએ ગીતાનો સિદ્ધાંત નથી. તેથી માણસ બીજામાં ઊણપ તો ન જ જુએ પણ પોતાનામાં પણ ઊણપ ન ભાળે, કદાચ દેખાય તો તે દૂર કરે. પોતાની જાતને ઉપદેશ આપે - તું શિવરૂપ છે - તને આ શોભે છે? પોતે જ પોતાની જાતનો ગુરુ બને, પોતાનો જ પોતે નેતા બને - શાસક બને...અને આ થઈ શકે અર્થાત્ પોતે જ પોતાનો શાસક બની શકે તો જ તે મિત્ર બની શકશે.
કઈ રીતે? તેની સમજણ આપતાં ગીતામાં ભગવાને કહ્યું છે -
बन्धुरात्मात्सनस्तस्य येनात्मैवात्मना जितः।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्भैव शत्रुवत् ।। (અ. 6/6)
‘જેણે પોતાની જાતને જીતી લીધી છે - મનને જીત્યું છે, તેના માટે તે પોતાનો બંધુ છે, પણ જે પોતાની જાતને જીતી શક્યો નથી તે પોતાની જાતનો શત્રુ છે.’
તાત્ત્વિક દ્ષ્ટિએ વિચારવાનું હોય તો એ વાત તો સ્વીકાર્ય જ છે કે સંસારમાં કોઈ પણ વ્યક્તિ બીજાની મદદ વગર અન્ય ઉપર વિજય પ્રાપ્ત કરી શકતી નથી. એટલે એ તો પુરવાર થયુંને કે તેણે બીજાની મદદ લીધી તેથી, વિજય પ્રાપ્ત કરતાં પહેલાં મદદ લીધી માટે તે પોતે તો જેની મદદ લીધી તેનાથી પરાજિત થયો.
આત્માનો આત્મા બંધુ છે. મનુષ્યની રચનામાં - શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ તથા ચેતન, આત્મા - આટલી વસ્તુઓ મુખ્ય છે. ગીતામાં શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ કે જે અનાત્મ છે તેના માટે તથા જે ચેતન આત્મા છે તેના માટે પણ આત્મા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી જે પોતાના સિવાયની એટલે કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ જેવા અનાત્મ સમૂહની યા તો ધન, વૈભવ, જમીન ઇત્યાદિની કે જે જડ છે, જરૂરિયાત લાગે છે એટલે કે જે આત્માસ્વરૂપ પોતાનું સ્વરૂપ નથી, તેને બીજાની મદદની આવશ્યકતા છે અને બીજાની મદદ લીધા પછી તેને પોતાનું સ્વરૂપ માની લે છે.
હકીકતમાં તો હું ચેતન છું - જડ નથી. ચેતન વળી જડનો આશ્રય શા માટે લે? આવી વૃત્તિનો મનુષ્ય જ પોતાના ઉપર વિજય મેળવી શકે છે, પરંતુ અનાત્મ વસ્તુઓની મદદ લઈને પછી મેં વિજય પ્રાપ્ત કર્યો. મતલબ, તેણે મદદ લીધી તેથી પહેલાં તો પરાજિત થયો છે. તેથી એટલે કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે કે જે અનાત્મ બાબતો છે તેમને પોતાના માની લઈને પોતે જ પોતાની સાથે શત્રુ જેવો વર્તાવ કરે છે એમ ગીતાનું કહેવું છે.
વાસ્તવમાં, પહેલેથી પરાજિત થયેલો માનવ બધી અનાત્મ વસ્તુઓનો આશ્રય લઈને પોતાનો વિજય પ્રાપ્ત કરે છે ત્યારે એ પોતાની જાત સાથે શત્રુ જેવો વર્તાવ કરે છે. કારણ કે જે પોતાનું નથી, જે જડ છે તેમાં પોતાનો - પોતીકાપણાનો સંબંધ રાખી વ્યવહાર કરે તે પોતાની સાથેના આત્મતત્ત્વ, આત્મા સાથે શત્રુત્વ ઊભું કર્યા સમાન છે. એટલે કે પ્રકૃતિજન્ય - અથવા જડ પદાર્થો સાથે સંબંધ બાંધે છે ત્યારથી તે પોતાની જાત સાથે શત્રુત્વની શરૂઆત કરી દીધી ગણાય.
માણસ, પ્રાકૃત વસ્તુઓ એટલે કે ધન, દોલત, સત્તા, કીર્તિ ઉપર તે જેટલો જેટલો પોતાનો અધિકાર જમાવતો જાય છે તેટલો તેટલો તે પોતાની જાતને પરાધીન બનાવતો જાય છે, કારણ કે તે વસ્તુઓ ઉપર પોતાનો અધિકાર જમાવવા માટે તેને પોતાની શક્તિનો - આત્મશક્તિનો વ્યય કરવો પડે છે. તેમાંય વળી માન, મોટાઈ-કીર્તિની ઇચ્છા રાખવાથી તેનું વધુ ને વધુ પતન થતું જાય છે. તેને ભલે લાગતું હોય કે તેમાં તેની ઉન્નતિ છે, પરંતુ વસ્તુસ્થિતિ તેથી વિપરીત છે. હકીકતમાં તો તે પોતાની જાત સાથે, આ બધી વાતોને લીધે શત્રુતા વધારે છે. પોતાની જાતનો જ તે દુશ્મન બની બેસે છે. ટૂંકમાં અંદર રહેલા આત્મતત્ત્વથી - ઈશતત્ત્વથી તે આઘો થતો જાય છે, તેથી જ તો આત્માનો - પોતાનો શત્રુ ગણાયને?
દા.ત. એકાદ બિઝી ઉદ્યોગપતિ - જેમ જેમ તેના ધંધાનો વ્યાપ વધારતો જાય છે તેમ તેમ તેના પોતાના પરિવારથી આઘો થતો જાય છે. પોતાનાં જ પત્ની-બાળકોને સમય આપી શકતો નથી - જરૂરી પ્રેમ આપી શકતો નથી. તેવી રીતે જ તે અંદર રહેલા ઈશતત્ત્વથી, આત્મતત્ત્વથી કે જે તેનું પરમ લક્ષ્ય છે તેનાથી દૂર થતો જાય છે.
વાસ્તવમાં, તો માનવ શરીર જડત્વનો - અનાત્મ તત્ત્વોનો સર્વથા ત્યાગ કરી કેવળ ચિન્મયતત્ત્વની પ્રાપ્તિ માટે મળ્યું છે. પણ તે ભૂલી જઈ વર્તમાનમાં તથા મર્યા પછી પણ પોતાનું પૂતળું ઊભું થાય - એટલી હદ સુધી જડત્વને મહત્ત્વ આપી, જડત્વની ચુંગાલમાં ફસાય છે અને પોતાના આત્મા સાથે શત્રુ જેવો વર્તાવ કરે છે.
શત્રુ જેવો કહેવાનું તાત્પર્ય એ છે કે શરીર ઇન્દ્રિય, મન, બુદ્ધિ ઉપર આધિપત્ય જમાવે છે એવું તે માને છે, પણ હકીકતમાં તો તેનો દાસ બને છે. મન કહે ત્યાં દોડે છે. તેની ઇચ્છા નથી કે પોતાનું અહિત થાય, પણ આવું વર્તન કરવાથી પરિણામે તેનું અહિત જ થાય છે.
કોઈ પણ વ્યક્તિ જાણીબૂઝીને પોતાની જાતનો શત્રુ નથી બનતી, પરંતુ અસત વસ્તુઓનો આશ્રય લઈને મનુષ્ય પોતાના હિતની દ્ષ્ટિથી જે પણ વર્તન કરે છે તે વર્તન જાત સાથે શત્રુત્વ નિર્માણ કરે છે, કારણ કે અસત્ આશ્રયનું પરિણામ જન્મમરણનો ચકરાવો જ છે. તેથી માણસે પોતે નક્કી કરવાનું છે કે તેને પોતાની જાતના શત્રુ બનવું છે કે મિત્ર? મિત્ર બનવું હશે તો અસત્ તત્ત્વોનો આશ્રય છોડી આત્માભિમુખ થવું પડશે.